Page #1
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય એમનું જીવન અને કવન
પ્રા. રમણલાલ સી. શાહ, એમ. એ.
ગુજરાતના ઇતિહાસમાં સુખ, સમૃદ્ધિ અને સંસ્કારિતાની દૃષ્ટિએ મહાન કહી શકાય એવો યુગ તે સોલંકી યુગ. આ યુગમાં મૂળરાજ, ભીમ, કર્ણ, સિદ્ધરાજ, કુમારપાળ એમ એક પછી એક પરાક્રમી. પ્રજાવત્સલ અને દૂરંદેશી રાજાઓ રાજ્ય કરી ગયા અને ગુજરાતની કીર્તિને એની ટોચે પહોંચાડી. લગભગ ત્રણસો વર્ષનો આ જમાનો ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણયુગ તરીકે ઓળખાવા લાગ્યો. આ સવર્ણયુગને એની પરાકાષ્ઠાએ પહોંચાડનાર સિદ્ધરાજ અને કુમારપાળ હતા. અને એ બન્ને રાજવીઓને મહાન બનાવનાર કલિકાલસર્વજ્ઞ, યુગપ્રવતક હેમચન્દ્રાચાર્ય હતા. જે સ્થાને વિક્રમાદિત્યના રાજ્યમાં કવિ કાલિદાસનું હતું, જે સ્થાન હર્ષના રાજ્યમાં બાણભટ્ટનું હતું તે સ્થાન સિદ્ધરાજ અને કુમારપાળના વખતમાં હેમચન્દ્રાચાર્યનું હતું. ઇતિહાસમાંથી હેમચન્દ્રાચાર્યને જે આપણે ખસેડી લઈએ તો એ સમયનું અપૂર્ણ અને અંધકારમય ચિત્ર આપણી સામે ખડું થવાનું. હેમચન્દ્રાચાર્ય ન હોત તો તત્કાલીન ગુજરાતી પ્રજા અને એ પ્રજાનાં ભાષા અને સાહિત્ય આટલાં સમૃદ્ધ ન હોત. હેમચન્દ્રાચાર્યના સમય પહેલાં માળવાના બજારોમાં ગુજરાતીઓની ઠેકડી ઊડતી. સાહિત્ય અને સંસ્કારિતામાં ગુજરાતીઓ શું સમજે એમ ગણી ગુજરાતીઓને તુચ્છ લેખવામાં આવતા. તેને બદલે ગુજરાતી પ્રજાને હેમચન્દ્રાચાર્યે કલા, સાહિત્ય અને સંસ્કારની દૃષ્ટિએ જાગ્રત અને સભાન બનાવી. એને લીધે એક સમય એવો આવ્યો કે જ્યારે પાટણમાં રહેવું અને પોતાની જાતને પટ્ટણું કહેવડાવવું એ ગૌરવ લેવાની વાત બની. તે સમયના ગુજરાતના સાધુઓ, અદ્ધિઓ અને સૈનિકો ગુજરાત બહાર પંકાતા હતા.
હેમચન્દ્રાચાર્યના જીવન વિષે સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ગ્રંથોમાંથી પુષ્કળ માહિતી મળે છે. પ્રદ્યુમ્નસૂરિના પ્રભાવકચરિત્ર” મેરુતુંગાચાર્યના “પ્રબંધચિંતામણિ, રાજશેખરના “પ્રબંધકોશ' અને જિનમંડન ઉપાધ્યાયના “કુમારપાળચરિત્ર' નામના ગ્રંથોમાંથી હેમચન્દ્રાચાર્ય વિશે પુષ્કળ માહિતી મળી આવી છે. જેમ નરસિંહ અને મીરાં, તુકારામ અને જ્ઞાનેશ્વર, કબીર અને ચૈતન્ય જેવા સંતોના જીવન વિશે તેમ જ કાલિદાસ અને ભવભૂતિ જેવા કવિઓ કે વિક્રમ અને ભોજ જેવા રાજવીઓ વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે, તેમ હેમચન્દ્રાચાર્ય વિશે પણ ઘણું દંતકથાઓ પ્રચલિત છે. આમાંની કેટલીક દંતકથાઓ અવૈજ્ઞાનિક અને અનૈતિહાસિક અને કેટલીક તો દેખીતી રીતે જ ખોટી ઠરે એવી છે, કારણ કે એક ગ્રંથમાં એ એક રીતે આપવામાં આવી હોય અને બીજા ગ્રંથમાં બીજી રીતે આપવામાં આવી હોય. હેમચન્દ્રાચાર્ય પોતાના યોગના પ્રભાવ વડે અમાસની પૂનમ કરી નાખી હતી, મહમ્મદ ગઝનીને વિમાનમાં પોતાની પાસે આપ્યો હતો કે તાડપત્રી ખૂટતાં નવાં ઝાડ ઉગાડ્યાં હતાં––એવી એવી દંતકથાઓ ન માની શકાય એવી છે એમાં શંકા નથી.
હેમચન્દ્રાચાર્યનો જન્મ સંવત ૧૧૪પમાં કારતક સુદિ પૂનમને દિવસે ધંધુકામાં થયો હતો. એમના પિતાનું નામ ચાચ અને માતાનું નામ ચાહિણી (અથવા પાહિણી) હતું. હેમચન્દ્રાચાર્યનું બાળપણનું નામ ચંગ હતું. એમ કહેવાય છે કે એક વખત ધંધુકામાં દેવચન્દ્રસૂરિ પધારેલા તે સમયે ચાહિણી એમને વંદન કરવા જાય છે અને પોતે સ્વપ્નમાં એક રત્નચિંતામણિ જોયો હતો તેની વાત કરે છે. જ્યોતિષના જાણકાર દેવચંદ્રસૂરિ ચાહિણીના ચહેરાની રેખાઓ પારખીને કહે છે કે તું એક રત્નચિંતામણિ જેવા
Page #2
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય: એમનું જીવન અને કવન
૧૧૩
પુત્રને જન્મ આપીશ. ત્યાર પછી દેવચન્દ્રસૂરિ વિહાર કરતા ચાલ્યા ગયા. ફરી કેટલાંક વર્ષે જ્યારે દેવચન્દ્રસૂરિ પાછા ધંધુકામાં આવ્યા ત્યારે ચારિણી એમને વંદન કરવા ગઈ સાથે પાંચેક વર્ષનો સંગ હતો. ચાહિણી જ્યારે વંદન કરતી હતી ત્યારે ચંગ મહારાજની પાટે ચઢી એમની પાસે બેસી ગયો હતો. તે સમયે દેવચન્દ્રસૂરિએ ચાહિણીને પેલા રત્નચિંતામણિની યાદ આપી, અને પુત્ર પોતાને સોંપવા કહ્યું. ચાહિણીનો પતિ તે સમયે બહારગામ વેપારાર્થે ગયો હતો, એટલે એને પૂછ્યા વિના પુત્ર કેવી રીતે આપી શકાય? વચન્દ્રસૂરિએ ચાહિણીને ખૂબ સમજાવી અને કહ્યું કે પતિ બહારગામ છે એ કદાચ ઈશ્વરી સંકેત હશે. અંતે ચાહિણીએ પોતાનો પુત્ર દીક્ષાર્થ દેવચન્દ્રસૂરિને સોંપી દીધો, અને દેવચન્દ્રસૂરિ વિહાર કરતા ખંભાત પહોંચ્યા. દરમ્યાન ચાચ બહારગામથી પાછો આવ્યો. પુત્રને ન જોતાં તુરત ગુસ્સે થઈ, ખાધાપીધા વિના પગપાળો ખંભાત આવી પહોંચ્યો અને મેલાઘેલા વેશે ઉદયન મંત્રી પાસે જઈ ફરિયાદ કરી. ઉદયન મંત્રીએ દેવચન્દ્રસૂરિ પાસેથી એનો પુત્ર મંગાવી એને પાછો સોંપ્યો, અને પછી સમજાવ્યું કે “આ પુત્ર તારી પાસ રાખશો તો બહુ બહુ તો એ ધંધુકાનો નગરશેઠ બનશે; અને દેવચન્દ્રસૂરિને સોંપશે તો એક મહાન આચાર્ય થશે અને આખી દુનિયામાં નામ કાઢશે.” ઘણું સમજાવ્યા પછી ચાચે પોતાનો પુત્ર દેવચન્દ્રસૂરિને પાછો સોયો.
ત્યાર પછી નવમે વર્ષે ચંગને દીક્ષા આપવામાં આવી અને એનું નામ પાડવામાં આવ્યું સોમચન્દ્ર. નાના સોમચન્ટે ત્યાર પછી સંસ્કૃત, પાકત અને અપભ્રંશ ભાષાનો અભ્યાસ કર્યો. સાથે સાથે વ્યાકરણ, કાવ્યાલંકાર, યોગ, ન્યાય, ઇતિહાસ, પુરાણ, તત્વજ્ઞાન વગેરે ભિન્ન ભિન્ન શાખાઓનો પણ ઊંડો અભ્યાસ ર્યો. વિદ્યામાં પારંગત બનતાં આ સંયમી, અ૫ભાષી, તેજસ્વી યુવાન સાધુને વધુ અભ્યાસાર્થે કાશ્મીર જવાની ઈચ્છા થઈ. ગુરુએ એને સમજાવ્યું કે તારું સ્થાન ગુજરાતમાં છે, ગુજરાત બહાર જવાનાં સ્વપ્નાં સેવવાની જરૂર નથી. ઉત્તરોત્તર ગુરુને પણ પ્રતીતિ થતી જાય છે કે સોમચન્દ્રની દૃષ્ટિનો ઘણો વિકાસ થયો છે, એની પ્રજ્ઞા પરિણત બનવા લાગી છે, એની તેજરિવતા વધતી જ ચાલી છે. એટલે એમણે પોતાની પાટે આચાર્યપદે સોમચન્દ્રને સ્થાપવાનો નિશ્ચય કર્યો. અને વિ. સં. ૧૧૬૬માં સોમચન્દ્રને એકવીસમે વર્ષે દેવચન્દ્રસૂરિએ ખંભાતમાં વિધિપૂર્વક આચાર્યપદે સ્થાપ્યા અને એમનું નામ પાડવામાં આવ્યું હેમચન્દ્ર, એ સમયે હેમચન્દ્રાચાર્યની માતા, જેમણે પણ દીક્ષા લીધેલી છે તે હાજર હોય છે. માતાપુત્ર બંને આ રીતે સાધુજીવનમાં એકબીજાને નિહાળી પ્રસન્નતા અનુભવે છે. હેમચન્દ્રાચાર્ય પોતાની માતાને એ વખતે પ્રવતિનીનું પદ અપાવે છે.
અહીંથી હવે હેમચન્દ્રાચાર્યનો કીર્તિકાળ શરૂ થાય છે. પાટણમાં તે સમયે સિદ્ધરાજ (લોકોમાં જાણીતા સધરા જેસંગ)નું રાજ્ય ચાલતું હતું. એ સમયે હેમચન્દ્રાચાર્ય દેવસૂરિ સાથે પાટણમાં આવે છે અને બનારસથી આવેલા કુમુદચન્દ્ર સાથે ધર્મચર્ચામાં ભાગ લે છે. ત્યારથી સિદ્ધરાજને હેમચન્દ્રાચાર્યની પ્રતિભાનો પરિચય થાય છે. તે સમયે સિદ્ધરાજની વિકસભામાં રાજકવિ તરીકે શ્રીપાલને સ્થાન હતું, અને રાજપંડિત તરીકે દેવબોધને સ્થાન હતું, એ બન્નેને એકબીજા પ્રત્યે તે જોષ હતો અને એકંદરે રાજાને એ બંનેથી અસંતોષ હતો. એટલે સિદ્ધરાજે પોતાની વિટ્સભામાં એ બંનેને બદલે હેમચન્દ્રાચાર્યને સ્થાન આપ્યું. - ત્યાર પછી સિદ્ધરાજે માલવા પર ચઢાઈ કરી. એમાં એને ફત્તેહ મળી. માલવાની અઢળક સમૃદ્ધિ ગુજરાતમાં લાવવા સાથે એના માણસો માલવાથી ગાડાંનાં ગાડાં ભરી હસ્તપ્રતો પણ લાવ્યા. એમાં કસિદ્ધરાજે “ભોજ વ્યાકરણની પ્રત જોઈ. પંડિતોને પૂછ્યું તો ગુજરાતમાં ક્યાંક “ભોજ વ્યાકરણ”, ક્યાંક ક્યાંક કાતંત્રનું વ્યાકરણ ચાલતું હતું. ગુજરાત પાસે પોતાનું કહી શકાય એવું વ્યાકરણ રચવાને હેમચન્દ્રાચાર્ય
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ
સમર્થ છે એમ પડિતોએ જણાવ્યું . અને સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને એવું વ્યાકરણ રચવાની વિનંતિ કરી. એ માટે કાશ્મીરથી અને હિંદના ખીજા ભાગોમાંથી ભિન્ન ભિન્ન વ્યાકરણોની પ્રતો સિદ્ધરાજે મંગાવી આપી. એનો સતત અને ઊંડો અભ્યાસ કરી હેમચન્દ્રાચાર્યે એક ઉત્તમ વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનતિથી એ લખાયું માટે એની યાદગીરી રહે એટલા માટે એમણે વ્યાકરણનું નામ આપ્યું ‘ સિદ્ધહેમ. ’ આ વ્યાકરણની પંડિતોએ મુકત કંઠે પ્રશંસા કરી. સિદ્ધરાજે એની પહેલી હસ્તપ્રત હાથી પર અંબાડીમાં સૂફી નગરમાં ફેરવી અને એનો ઢંઢેરો પીટાવ્યો. ત્યાર પછી વિદ્વત્સભામાં એનું વિધિસરનું પઠન થયું. એ વ્યાકરણની હસ્તપ્રતો તૈયાર કરવા માટે ગુજરાતમાંથી ૩૦૦ જેટલા લહિયાઓને ખોલાવવામાં આવ્યા. હસ્તપ્રતો તૈયાર થતાં હિંદુસ્તાનમાં ઠેરઠેર મોકલવામાં આવી. એની એક સુંદર હસ્તપ્રત રાજભંડારમાં પણ મૂકવામાં આવી અને ત્યારથી ગુજરાતમાં ‘સિદ્દહેમ ’ શીખવવાનું શરૂ થયું. કાકલ નામના એક વિદ્વાન પંડિતની પાટણમાં વ્યાકરણ શીખવવા માટે નિમણૂક કરવામાં આવી. આમ સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યના વ્યાકરણનું બહુમાન કર્યું, અને ત્યારથી હેમચન્દ્રાચાર્ય ખીજી કૃતિઓની રચના કરવા તરફ પ્રેરાવા લાગ્યા.
સિદ્ધરાજ હેમચંદ્રાચાર્યની પ્રતિભાથી એટલા બધા પ્રભાવિત થયા કે ત્યારથી હેમચંદ્રાચાર્યે સિદ્ધરાજના મિત્ર અને માર્ગદર્શકનું સ્થાન લીધું. એને પરિણામે સિદ્ધરાજનો જૈન ધર્મ પ્રત્યેનો અનુરાગ વધ્યો; એને પરિણામે હેમચન્દ્રાચાર્યે સિદ્ધરાજના જીવન અને સોલંકી યુગ વિશે સંસ્કૃતમાં ‘ યાશ્રય ’ મહાકાવ્ય લખ્યું, એને પરિણામે સિદ્ધરાજ હેમચન્દ્રાચાર્ય સાથે જૈન દેરાસરમાં દર્શન કરવા જતા અને હેમચન્દ્રાચાર્ય સિદ્ધરાજ સાથે સોમનાથની યાત્રાએ જતા. ધાર્મિક સંકુચિતતા અને અસહિષ્ણુતાના એ જમાનામાં હેમચન્દ્રાચાર્ય ધર્મના સાંપ્રદાયિક સ્વરૂપથી પર હતા, અને માટેજ સોમનાથના શિવલિંગને ત્રા વા વિષ્ણુાં મહેશ્વરો વા નમસ્તસ્મૈ । કહીને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા હતા. સિદ્ધરાજને સર્વધર્મસમન્વયનું માહાત્મ્ય સમજાવનાર પણ હેમચન્દ્રાચાર્ય જ હતા. કોઈ પણ ધર્મ માત્ર પોતે જ સાચો છે એવું મિથ્યાભિમાન ધરાવી ન શકે. દરેક ધર્મમાં કંઈક અવનવું રહસ્ય સમાયેલું છે; અને માટે જ સંજીવની ન્યાય પ્રમાણે બધા ધર્મનો સમભાવપૂર્વક અભ્યાસ કરનારજ સાચો ધર્મ પામી શકે છે એમ હેમચન્દ્રાચાર્ય માનતા હતા અને એ પ્રમાણે માનતા સિદ્ધરાજને કર્યાં હતા.
સિદ્ધરાજને સંતાન ન હોવાથી એની ગાદીએ આવે છે એનો ભત્રીજો કુમારપાળ; અને અહીંથી હેમચન્દ્રાચાર્યના જીવનનો ત્રીજો તબક્કો શરૂ થાય છે. જ્યોતિષના જાણકાર હેમચન્દ્રાચાર્યને અગાઉથી ખબર પડી ગઈ હતી કે નહિ તે બાજુ પર રાખીએ, પણ એટલું તો જરૂર કહી શકાય કે હેનચન્દ્રાચાર્યે સાધુબાવાને વેશે ભટકતા કુમારપાળને, સિદ્ધરાજના માણસો એનું ખૂન કરવા ફરતા હતા ત્યારે માત્ર માનવતાથી પ્રેરાઈ ને ઉપાશ્રયમાં તાડપત્રી નીચે સંતાડી દીધા હતા. આ ઉપકાર કુમારપાળ ભૂલ્યા ન હતાં. રાજ્યરોહણ પછી શરૂઆતનાં પંદરેક વર્ષે રાજ્ય સ્થિર કરવામાં અને વિસ્તારવામાં ગયાં. ત્યાર પછી કુમારપાળ રાજાએ પોતાના ગુરુ હેમચન્દ્રાચાર્યની ઇચ્છાનુસાર વર્તવાનું શરૂ કર્યું. હેમચન્દ્રાચાર્યની ઇચ્છા મુજબ પોતાના રાજ્યમાં પશુવધ, જુગાર, શિકાર, માંસભક્ષણ, દારૂ વગેરે પર કુમારપાળે પ્રતિબંધ ફરમાવ્યો. રાજ્યની કુલદેવી કંઢેશ્વરીને અપાતું બલિદાન બંધ કરાવ્યું. પુત્રરહિત વિધવાનું ધન જપ્ત થતું બંધ કરાવ્યું, જૈન ધર્મ પ્રત્યેના અનુરાગને લીધે ઠેર ઠેર જૈન મન્દિરો બંધાવ્યાં અને પરમાતનું બિરુદ લોકો તરફથી મેળવ્યું. સિદ્ધરાજની જેમ કુમારપાળને પણ પુત્ર ન હોવાથી જિંદગીનાં છેલ્લા વર્ષોમાં એની નિરાશા વધી ગઈ હતી, તે સમયે એના મનનું સમાધાન કરાવવા માટે હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્રની રચના કરી.
Page #4
--------------------------------------------------------------------------
________________
હેમચન્દ્રાચાર્ય: એમનું જીવન અને કવન
૧૧૫ હેમચન્દ્રાચાર્યનું આખું જીવન સતત ઉઘોગપરાયણ હતું. એકંદરે દીર્ધાયુષ્ય એમને સાંપડ્યું હતું. પોતાનું અવસાન સમય પાસે આવેલા જાણી તેમણે અનશનવ્રત શરૂ કર્યું. શિષ્યોને પણ અગાઉથી સૂચના આપી દીધી હતી. એમ કરતાં સં. ૧૨૨૯ભાં ૮૪ વર્ષની વયે એમનું અવસાન થયું.
સાહિત્યના ક્ષેત્રમાં પણ હેમચન્દ્રાચાર્યનું અર્પણ જેવુંતેવું નથી. માત્ર હિંદુસ્તાનની અન્ય ભાષાઓના સાહિત્યમાં જ નહિ, વિશ્વસાહિત્યમાં જેને મૂકી શકાય એવી સર્વતોમુખી પ્રતિભાવાળા હેમચન્દ્રાચાર્ય હતા. એમની કીર્તિ દેશવિદેશના પ્રાચીન ભાષાસાહિત્યના અભ્યાસીઓમાં પ્રસરેલી છે. આશ્ચર્ય થશે કે અર્વાચીન સમયમાં એમના જીવન અને સાહિત્ય ઉપર સૌ પ્રથમ સુંદર સમીક્ષા કરનાર એક જર્મન પંડિત ડૉ. બુલ્હર છે. શ્રી કનૈયાલાલ મુનશીએ એમને યોગ્ય રીતે જ ગુજરાતના મહાન જ્યોતિર્ધર તરીકે ઓળખાવ્યા છે. એમની સાહિત્યસેવાનો સુંદર, સચોટ અને સંક્ષિપ્ત પરિચય સોમપ્રભસૂરિએ એક શ્લોકમાં આપ્યો છે :
क्लप्तं व्याकरणं नवं विरचितं छन्दो नवं व्याश्रयाऽलंकारौ प्रथितौ नवौ प्रकटितौ श्री योगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन विधिना मोहः कृतो दूरतः ।।
અર્થાત–“નવું વ્યાકરણ, નવું છંદશાસ્ત્ર, દયાશ્રય મહાકાવ્ય, નવું અલંકારશાસ્ત્ર, નવું યોગશાસ્ત્ર. નવું તર્કશાસ્ત્ર અને જિનવરોનાં નવાં ચરિત્ર—આ સઘળું જેમણે રચ્યું તે હેમચંદ્રાચાર્યે લોકોનો મોહ કઈ કઈ રીતે દૂર નથી કર્યો ?”
એટલે કે હેમચન્દ્રાચાર્યે પોતાના સમયમાં સાહિત્યના એક પણ ક્ષેત્રમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવાનો બાકી રાખ્યો નહોતો.
એમણે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના વ્યાકરણની રચના કરી. એ વ્યાકરણની એ સમયથી તે અત્યાર સુધી પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એક આધારભૂત વ્યાકરણ તરીકે ગણના થાય છે. પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના બંધારણ વિષે આપણને હેમચન્દ્રાચાર્યના વ્યાકરણ જેવું આધારભૂત વ્યાકરણ બીજી એકે મળતું નથી; એટલે ભવિષ્યમાં પણ વર્ષો સુધી એમનું આ વ્યાકરણ જ આધારગ્રંથ તરીકે રહેશે. હેમચન્દ્રાચાર્યે આ વ્યાકરણમાં–વિશેષતઃ અપભ્રંશ ભાષાના વ્યાકરણના નિયમોમાં_ઉદાહરણ તરીકે વ્યવહાર, પ્રેમ, શૌર્ય અને શુંગારના જે દૂહાઓ આપ્યા છે તે વ્યાકરણના ઉદાહરણ કરતાં ઉત્તમ કવિતા તરીકે વધુ જાણીતા થયા છે. એ દૂહાઓ એ જમાનાનો આપણને ખ્યાલ આપે છે અને સાથે સાથે સાધુ હેમચન્દ્રાચાર્ય સાંસારિક બાબતોને પણ અલિપ્ત રહી કેટલી ઝીણવટથી નિહાળતા હશે તેનો પણ ખ્યાલ આપે છે.
આ ઉપરાંત એમણે અનેકાર્થસંગ્રહ, અભિધાનચિંતામણિ અને દેશનામમાલા જેવા શબ્દસંગ્રહો તૈયાર કર્યા. એ જમાનામાં એમણે એક નહિ, પણ ભિન્ન ભિન્ન દષ્ટબિન્દુથી ત્રણ ત્રણ શબ્દકોષ તૈયાર કર્યા. સિદ્ધહેમ શબ્દાનુશાસન પછી એમણે લિંગાનુશાસન, છંદાનુશાસન અને કાવ્યાનુશાસન એમ ત્રણ બીજી શાસનોની રચના કરી. વ્યાકરણના નિયમના ઉદાહરણ તરીકે પણ રજૂ થઈ શકે એવા શ્લોકની રચના વડે એમણે સંસ્કૃત અને પ્રાકૃતમાં દયાશ્રય નામનું મહાકાવ્ય લખ્યું. યોગશાસ્ત્ર, મહાવીરચરિત્ર અને પુરાણોની તોલે મૂકી શકાય એવા ત્રિપછીશલાકાપુરુષચરિત્ર જેવા મહાન ગ્રંથો લખ્યા. એટલે સાહિત્યના ક્ષેત્રે પણ ભિન્નભિન્ન શાખાઓમાં એમણે પોતાનો વિશિષ્ટ ફળો નોંધાવ્યો. હેમચન્દ્રાચાર્ય મહાન વિદ્વાન હતા, મહાન કોષકાર હતા, મહાન કવિ હતા અને મહાન વૈયાકરણી પણ હતા. એમની અજોડ પ્રતિભા વ્યાકરણ જેવા શુષ્ક ગણાતા વિષયમાં અને કવિતા જેવા
Page #5
--------------------------------------------------------------------------
________________ 116 આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ રસિક ગણાતા વિષયમાં એક સરખી આસાનીથી વિહરતી. સાહિત્યની સેવા અને ઉપાસનામાં એમણે પોતાની જિંદગીનાં લગભગ 64 જેટલાં વર્ષ આપ્યાં. એમણે પોતાના સમયમાં સાહિત્યનો એક વિશિષ્ટ યુગ પ્રવર્તાવ્યો એમ કહી શકાય. હેમચન્દ્રચાર્ય એક જૈનાચાર્ય અને પ્રખર સાહિત્યકાર તરીકે તો મહાન હતા, પણ એક માનવ તરીકે પણ મહાન હતા. તેઓ અત્યંત બાહોશ, તેજસ્વી અને વિનમ્ર હતા. હૃદયની વિશાળતા અને ઉદારતા વડે એમણે દેવબોધ કે શ્રીપાલ જેવા વિરોધી કે પ્રતિસ્પર્ધીને જીતી લીધા હતા. તેઓ સાધુ હતા, છતાં સાંસારિક બાબતોમાં રસ લેતા હતા અને તો પણ સંસારના રંગથી રંગાયા વિના તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને પોતાના સાધુત્વના રંગથી રંગી દેતા. તેઓ હંમેશાં સંપ્રદાયથી પર જ રહ્યા હતા. પોતાના જીવન દરમ્યાન એક નહિ પણ બે રાજાઓને પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત કર્યા હતા અને અત્યંત કુનેહ, કાર્યકુશલતા અને સમભાવ વડે પોતાની ઈચ્છા મુજબ તેમની પાસે કાર્ય કરાવી શક્યા હતા. લાખોની સંખ્યામાં એમના અનુયાયીઓ હતા. અને છતાં જુદો પથ પ્રવતાંવવાની એમણે કદી મહત્વાકાંક્ષા સેવી નહોતી. એમના શિષ્યો તો એમનાં ગુણગાન ગાતાં થાકતા જ નહિ. કેટલાક તો વિમોનિધિમંથમંજિરિ: શ્રીમદ્દો : જેવી પંક્તિઓ ઉચારી વષોનાં વર્ષો સુધી પ્રાતઃકાળમાં એમનું સ્મરણ કરતા. હેમચન્દ્રાચાર્ય માત્ર ગુજરાતના જ નહિ, માત્ર હિંદુસ્તાનના જ નહિ પણ જગતના એક મહાન માનવી હતા એમ નિઃસંકોચ જરૂર કહી શકાય. એવા મહાન જ્યોતિર્ધરને આપણું વંદન હો! ઉcososcops 'કા' . પ ..!! $ ' ':41 , .. મગ