Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિ : ગઈકાલ અને આવતી કાલ
રતિલાલ બોરીસાગર
ગુજરાતી સાહિત્યમાં અનેક ક્ષેત્રે પ્રારંભ કરી દેખાડનાર નર્મદ દયારામકૃત કાવ્યસંગ્રહનું સંપાદન કરી, ઈ.સ.૧૮૬૦માં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિના શ્રીગણેશ માંડ્યા. આ પછી ઈ.સ.૧૮૭૧માં નવલરામે પાઠસમીક્ષાના સિદ્ધાંતોનો વિનિયોગ કરી, “મામેરું'નું શાસ્ત્રીય ઢબે સંપાદન કર્યું. “મામેરુની પ્રસ્તાવનામાં નવલરામે લખ્યું :
મુંબઈ ઈલાકામાં છાપખાનાં નીકળ્યાં ત્યારથી જૂના ગ્રંથ છપાવા માંડ્યા છે ખરા, પણ આજપર્યત સારોદ્ધાર કરવાની જે રીતે આપણામાં ચાલી આવી છે, તે ઘણી જ અપૂર્ણ છે. ઘણાએ તો જેવી પ્રત મળી તેવી જ છપાવી દીધી છે, અને એનું પરિણામ એ થયું છે કે આપણા મહાકવિઓનાં ઘણાં કાવ્ય છપાયાં છે, પણ તે નહિ જેવાં જ ગણાય છે - કેમકે તે બિલકુલ અશુદ્ધ છે. થોડાએક તો જૂના ગ્રંથના ગુરુ થઈ બેઠા અને પોતાની નજરમાં જે સારું લાગ્યું તે પ્રમાણે ફેરફાર કરીને પ્રગટ કરવા મંડી ગયા. એના કરતાં તો હોય તેમજ છપાવી દેવું એ વધારે સારું કે તેથી બધા લોકોના હાથમાં અશુદ્ધ તો અશુદ્ધ પણ જૂની પ્રતની એક ખરી નકલ તો આવે. પણ પ્રગટ કરનારે જ્યાં સ્વચ્છેદે ફેરફાર કરી દીધો હોય છે ત્યાં તો અસલનું કર્યું અને પેલાએ પોતાનું ઘોંચી ઘાલ્યું છે તે કર્યું એ જાણવું બિલકુલ અશક્ય થઈ પડે છે અને તેથી તે પ્રતના સાચાપણા ઉપર કાંઈ પણ ભરોસો રાખી શકાતો નથી."
આ પછી લગભગ સો વરસ બાદ ડૉ. હરિવલ્લભ ભાયાણી લખે છે :
“...આજ સુધીમાં સેંકડો પ્રાચીન મધ્યકાલીન ગુજરાતી (તેમજ ઓછે અંશે સંસ્કૃત, પ્રાકૃત વગેરે) કૃતિઓનું સંપાદન થયું છે. પણ આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતી કૃતિઓનાં સંપાદનની સમસ્યાઓની તથા ફાસ્ત્રીય પદ્ધતિ અને ધોરણોની વ્યવસ્થિત ચર્ચા કે વિવરણ કરવાનું આપણને આવશ્યક લાગ્યું. નથી. સંપાદન શાસ્ત્રનું એક પણ પુસ્તક ગુજરાતીમાં નથી.
". ગ્રંથસંપાદનનું લક્ષ્ય બધી ઉપલબ્ધ સામગ્રીને આધારે કૃતિના મૂળ પાઠ સુધી પહોંચવાનું હોય છે. જાયેઅજાયે પ્રવેશેલા ફેરફારોનો પરિહાર સાધીને શબ્દસ્વરૂપ, શબ્દયોજના, છંદ વગેરે પરત્વે મૂળ કૃતિનો સાંગોપાંગ
૧, નવલરામ. મામેરું, પ્રસ્તાવન, પૃ. ૯-૧૦
Page #2
--------------------------------------------------------------------------
________________
એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ
સ્વરૂપનિર્ણય કરવાનો હોય છે...
પાઠાંતરોમાંથી અમુકને જ કેમ પસંદગી આપી તેનાં કારણોનો ઊહાપોહ સંપાદકે આવશ્યકતા પ્રમાણે સ્થળે સ્થળે કરવાનો હોય છે... પ્રાચીન સાહિત્યના સંપાદનમાં આપણે આ બધું ઠીકઠીક ઉવેખ્યું છે. જ્યાં એક પ્રતથી ચાલે તેમ લાગ્યું છે ત્યાં વધુ પ્રતો જોવાની ચિંતા નથી કરી, જ્યાં એકાધિક પ્રત ઉપયોગમાં લેવાઈ છે, ત્યાં ઉપલબ્ધ બધી પ્રતો જોવાનું જરૂરી નથી માન્યું. ઉપર્યુક્ત પ્રતોનાં પાઠાંતરો યથાતથ ચીવટથી નથી નોંધાયાં. હાથ લાગી તે પ્રતને ફાવતા ફેરફાર સાથે છાપી નાખવાને બદલે બધી (કે બધી મહત્ત્વની) પ્રતો ઉપયોગમાં લેવાનો અને પાઠાંતરો હોય તેવાં જ ચુસ્તપણે નોંધવાનો જોકે વધુ આગ્રહ (સિદ્ધાંતમાં વિશેષ, વ્યવહારમાં સગવડ પ્રમાણે) રખાય છે, છતાં પ્રતોનો આંતરસંબંધ નક્કી કરવાનું, પાઠપસંદગીનાં ધોરણો આપવાનું, છંદ અને ભાષાભૂમિકાને આલોચક દૃષ્ટિએ પાઠનિર્ણયમાં ઉપયોગમાં લેવાનું અને વ્યવસ્થિત પાઠાંતરચર્ચા કરવાનું વધતેઓછે અંશે અનાવશ્યક ગણીને કે અજ્ઞાનને કારણે છોડી દેવાય છે. પરિણામે પૂરતા પ્રામાણિક કે માન્ય ગણી શકાય તેવા પાઠને બદલે ઠીકઠીક અંશે આત્મલક્ષી ધોરણે અને અંગત રૂચિએ ઘટાવેલા પાઠ આપણને મળતા રહે છે.
એક સૈકા જેટલો સમયગાળો પસાર થયા પછી થયેલી ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિની ઉપરોક્ત સર્વગ્રાહી સમીક્ષામાં માત્ર વીગત અને ભાષાનો જ ફેર દેખાય છે, ભાવ એનો એ જ છે. અલબત્ત, આનો અર્થ એવો નથી જ કે પાઠસમીક્ષપ્રવૃત્તિમાં આપણે ત્યાં કશું કામ થયું નથી કે આટલા લાંબા સમયગાળામાં આપણને તેજસ્વી સંપાદકો મળ્યા નથી. નર્મદ અને નવલરામ જેવાએ પાઠસમીક્ષા પ્રવૃત્તિનો સંગીન પાયો નાખ્યો. આ પછી ઈચ્છારામ સૂર્યરામ દેશાઈ, મોહનલાલ દલીચંદ દેશાઈ, કે. હ. ધ્રુવ, સી. ડી. દલાલ, મુનિ જિનવિજયજી, કે. કા. શાસ્ત્રી, ભોગીલાલ સાંડેસરા, મગનભાઈ દેસાઈ, મંજુલાલ મજમુદાર, અનંતરાય રાવળ, કે. બી. વ્યાસ, હરિવલ્લભ ભાયાણી, રમણલાલ ચી. શાહ, ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી, ઉમાશંકર જોશી, શિવલાલ જેસલપુરા જેવા વિદ્વાન સંપાદકો આપણને મળ્યા છે. શાસ્ત્રીય દષ્ટિએ તંતોતંત ખરાં ઊતરે એવાં કેટલાંક સંપાદનો પણ આપણે ત્યાં થયાં છે. પ્રમાણની દષ્ટિએ તો ઘણું કામ થયું છે એમ કહેવાય. પરંતુ ગુજરાતી પાઠસમીક્ષાનું ગુણાત્મક ચિત્ર એકંદરે ગ્લાનિપ્રેરક છે એમ સ્વીકાર્યા વગર છૂટકો નથી. આનાં કેટલાંક કારણો પણ છે, જેમકે, હસ્તપ્રતોમાં સચવાયેલ આપણા મધ્યકાલીન સાહિત્યવારસા માટે આપણને એક પ્રજા તરીકે હોવું જોઈએ એટલું ગૌરવ ક્યારેય હતું નહીં, કદાચ આજેય નથી. આપણી મહામૂલી હસ્તપ્રતોની લેવી જોઈએ એટલી કાળજી
૨. ડૉ. હરિવલ્લભ ભાયાણી, અનુસંધાન, સંશોધન, પૃ. ૭ અને ૮
Page #3
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી પાઠસમીક્ષા પ્રવૃત્તિ ઃ ગઈ કાલ અને આવતી કાલ
૬૧
આપણે ક્યારેય લીધી નથી – ખાસ કરી જૈનેતર સાહિત્યની હસ્તપ્રતોની જે દુર્દશા આપણે ત્યાં થઈ તેનો કોઈ બચાવ થઈ શકે તેમ નથી. મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાંથી કે પસ્તી વેચતા ફેરિયા પાસેથી હસ્તપ્રતો મળી છે. પાઠસમીક્ષાનું કામ એકલદોકલનું કામ નથી. આવું કામ સંસ્થાકીય ધોરણે જ ઉત્તમ રીતે થઈ શકે. પણ એ માટે સંસ્થાઓ પાસે પૂરતું નાણાભંડોળ હોવું જોઈએ. આપણે ત્યાં સંસ્થાકીય ધોરણે કેટલુંક કામ થયું છે પણ જેનેતર સાહિત્યના સંપાદનકાર્યમાં આર્થિક પ્રશ્નોએ સંસ્થાઓને ખૂબ મૂંઝવી છે. આપણા સંપાદકોને સહાયકોની સેવા ક્યારેય ઉપલબ્ધ નહોતી. કપ્યુટર જેવા આધુનિક સાધનનો વિનિયોગ આ સદી પૂરી થવા આવી તોય હજુ શરૂ થયો નથી. મ. સ. યુનિવર્સિટી સિવાય ગુજરાતની અન્ય યુનિવર્સિટીઓએ આ કાર્યને ગંભીરપણે પોતાનું કાર્ય માન્યું નથી.
પાઠસમક્ષપ્રવૃત્તિની ગઈ કાલ એટલી ઉજમાળી નથી તો આવતી કાલ અંગે પણ આપણે એટલા આશાવંત બની શકીએ એવી સ્થિતિ નથી. આ ક્ષેત્રના આપણા ઉત્તમ સંપાદકોમાંથી આજે હયાત હોય એવા સંપાદકોની ઉંમર ઘણી મોટી છે. એમની પછીની પેઢીના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ચિમનલાલ ત્રિવેદી કે જયંત કોઠારી જેવા અભ્યાસીઓ પણ સિત્તેરના થવા આવ્યા છે. એમની પછીની પેઢીના અધ્યાપકોમાં મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ પરત્વેનું વલણ ઓછું દેખાય છે. આ સંજોગોમાં ગુજરાતી પાઠસમીક્ષાપ્રવૃત્તિને ઉગારવા કશીક નક્કર વિચારણા કરવાની આવશ્યકતા છે. આ દિશામાં શુંશું થઈ શકે તે અંગે કેટલાક મુદ્દાઓ રજૂ કર્યા છે?
(૧) પાઠસમીક્ષપ્રવૃત્તિ માટે એક મધ્યવર્તી સંસ્થાની તાતી જરૂર છે. આ પ્રકારની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ હોદાની રૂએ આ સંસ્થાના સભ્ય હોય. આ ક્ષેત્રના અધિકારી વિદ્વાનો આ સંસ્થાના માનદ્ સભ્ય હોય. મકાન, સાધનો વગેરે માટે રાજ્ય સરકાર સહાય કરે. કાયમી સ્ટાફના પગાર પર રાજય સરકાર સો ટકા ગ્રાન્ટ આપે. ગ્રંથસંપાદન અને પ્રકાશનના ખર્ચ પર પચાસ ટકા ગ્રાન્ટ આપે અને બાકીનો ખર્ચ સંસ્થા સમાજ પાસેથી મેળવે. આ તો માત્ર સૂચન છે. સંસ્થાનો નિર્વાહ વીગતનો પ્રશ્ન છે. એ અંગે સામાન્ય અભિપ્રાય મેળવી યોગ્ય નિર્ણય થઈ શકે. મુખ્ય વાત આવી સંસ્થા હોવી જોઈએ તે જ છે. જૈન કે જેનેતર એવા કશા. ભેદભાવ વગર મધ્યકાલીન ગુજરાતી ગ્રંથોના સંપાદનની પ્રવૃત્તિ આ સંસ્થા હાથ ધરી શકે. (૨) ઉપલબ્ધ તમામ ગુજરાતી હસ્તપ્રતોની સંકલિત યાદી આ સંસ્થા દ્વારા વેળાસર કરાવી લેવામાં આવે. (૩) નવી પેઢીના તેજસ્વી અધ્યાપકો-શિક્ષકોને સંપાદનપદ્ધતિની વ્યવસ્થિત તાલીમ આ સંસ્થા દ્વારા આપવામાં
આવે. અધ્યાપક-શિક્ષકની નિયુક્તિ વખતે આ સંસ્થાના તાલીમ પ્રમાણપત્રનો
Page #4
--------------------------------------------------------------------------
________________ 62 એક અભિવાદન–ઓચ્છવ, એક ગોષ્ઠિ વધારાની યોગ્યતા રૂપે સ્વીકાર કરવામાં આવે. (4) એમ. ફિલ. કક્ષાએ મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનની વ્યવસ્થા ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં હોવી જોઈએ. જે રીતે ભાષાવિજ્ઞાનમાં અનુસ્નાતક અભ્યાસ પછીના ડિપ્લોમા અભ્યાસક્રમની વ્યવસ્થા છે તે રીતે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ અને સંપાદનના ડિપ્લોમા અભ્યાસક્રમની વ્યવસ્થા પણ થવી જોઈએ. મધ્યકાલીન સાહિત્ય ભણાવવા માટેની અધ્યાપકની યોગ્યતામાં સ્નાતક કક્ષાએ ભણાવવા માટે ડિપ્લોમા કક્ષાનો અને અનુસ્નાતક કક્ષાએ ભણાવવા માટે એમ.ફિલ. કક્ષાનો આ પ્રકારનો અભ્યાસ અનિવાર્ય ગણાવો જોઈએ. (પ) પાઠસમીક્ષપ્રવૃત્તિ માટે કમ્યુટરનો વિનિયોગ થવો જોઈએ. આ માટેની તાલીમની વ્યવસ્થા મધ્યવર્તી સંસ્થા દ્વારા કરવી જોઈએ. આપણી તમામ હસ્તપ્રતોને ફૂલોપીઓમાં સંગૃહીત કરી લેવાનું સૂચન આજે થોડું અવાસ્તવિક અને અવ્યવહારુ લાગશે. પણ એકવીસમી સદીની પહેલી પચ્ચીસીમાં એ એટલું અઘરું નહિ લાગે. આ તો માત્ર દિશાસૂચન છે. મુખ્ય વાત તો મધ્યકાલીન સાહિત્યવારસાને સાચવવાની ચિંતા કરનારાનું સંકલ્પબળ એકત્રિત થાય તે જ છે.