Page #1
--------------------------------------------------------------------------
________________
૨૩. પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો જીવંત વ્યવહાર
કોઈ પણ પ્રાણીના સ્વાર્થની હાનિ થતાં તરત જ સંઘર્ષની પ્રક્રિયા શરૂ થઈ જાય છે; તેમાંય માણસ-માણસ વચ્ચે એકબીજાના સ્વાર્થની હાનિ થતાં જે સંઘર્ષની પ્રક્રિયા શરૂ થાય છે તે અતિશય ભયંકર હોય છે, કે જેમાં સમગ્ર વિશ્વ પણ સંહારની નિકટ પહોંચી જશે કે શું એવી પરિસ્થિતિ આવી જવાનો ઘણી વાર ભાસ થઈ જાય છે. જીવવું તો સૌ કોઈને છે, એટલે એ ભાસ વાસ્તવમાં પરિણમી શકતો નથી. સ્વાર્થની હાનિ એટલે કંઈ એકલી ધનની, શરીરની, ધંધારોજગારની, વસવાટની, સ્થાનની વા વૈભવ-વિલાસની હાનિ જ નહીં, પણ પોતે કલ્પેલી યોજનાની, પોતાના સંકલ્પની કે પોતાની વાસનાઓની યા અહંકારની અથવા પોતે કલ્પેલી પોતાની માનેલ પ્રજાની કે પોતે કલ્પેલ દેશની કે દેશની સીમાની યા પોતે કલ્પેલી સંસ્કૃતિ વગેરેની હાનિ સમજવાની છે. ખરી રીતે આ આખુંય વિશ્વ એક છે અને તેની નિયામક, ચાલક, સંરક્ષક કે સંહારક શક્તિ જે અવિક્ષિત છે તે પણ કોઈ એક હોવાનો ભાસ થાય છે. આ જોતાં વિશ્વમાં વસતા તમામ મનુષ્યોનો સમાન અધિકાર હોવો ઘટે. કોઈ વિશેષ કારણથી, એટલે રંગ, ભાષા, ધર્મ કે વૈભવ વગેરે કારણથી અમુક જાતિ વિશેષ ઉચ્ચ પ્રકારની છે અને કોઈ અમુક જાતિ વિશેષ અધમ પ્રકારની છે એ કલ્પના માણસે પોતે જ પોતાની અંગત સુખસગવડ માટે ઊભી કરેલ છે, અને આવી કલ્પનાને લીધે કલ્પના કરનાર અને બીજા બધા લોકો દુ:ખી દુ:ખી થતા રહે છે. રશિયા કે અમેરિકા કરોડોની રકમ શસ્ત્રો બનાવવામાં ખર્ચે છે, અને એમ ક્યાં લગી ખર્ચશે તેની કોઈ મર્યાદા નથી. બન્ને દેશમાં વસતી પ્રજા બધી જ સુખી છે અને માનવને જરૂરી સગવડ તેમને પૂરતી મળી રહે છે તેમ નથી જ, છતાં એ દેશના નેતાઓ આમ શસ્ત્રોની દોડમાં હજી સુધી થાક્યા દેખાતા નથી અને તે દેશોની સમગ્ર
Page #2
--------------------------------------------------------------------------
________________
પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો વ્યવહાર ૦ ૧૯૫
પ્રજા સુખી નથી. આ બધું દીવા જેવું સ્પષ્ટ છે છતાં તે તે દેશના દક્ષપુરુષોનું—જેમની સત્તા ચાલે છે એવા પુરુષોનું–રૂંવાડુંય ફરકતું નથી એ કેવી ભયંકર સ્થિતિ છે ! આ પરિસ્થિતિ હોવાથી બીજા પણ અનેક સંઘર્ષો ઊભા થતા રહે છે. આપણા ભારત દેશમાંની દેશની પરિસ્થિતિ અને આબોહવાની અનુકૂળતા તથા ખેતીપ્રધાનતાને લીધે જે જે મોટી મોટી યોજનાઓ થઈ રહેલ છે, જેમાં આપણી શક્તિ ઉપરવટ નાણાં ખર્ચાઈ રહ્યાં છે, છતાં દેશમાં આમજનતાને વ્યાપક રીતે સંતોષ કે સમાધાન મળતાં નથી. જે અનુભવી પુરુષો આ સામે ચેતવણી આપતા રહે છે તેમનું કોઈ કાને ધરતું નથી. બધા જ કહે છે કે શિક્ષણ બરાબર નથી, આયોજન બરાબર નથી; છતાંય એમ ને એમ ચાલ્યા કરે છે. હિંસક અને સ્ફોટક પરિસ્થિતિઓ જ્યાં ત્યાં પેદા થતી રહે છે, છતાં પાછા ફરીને જોવાનું કેમ સૂઝતું નથી ? આની પાછળ કઈ વૃત્તિ, કયો સંકલ્પ કે કયા પ્રકારની રાષ્ટ્રહિતની બુદ્ધિ કામ કરી રહેલ છે એ વિશે કાંઈ સમજણ પડતી નથી. જ્યાં જુઓ ત્યાં છાપામાં, લોકોમાં અને મોટા નેતા પુરુષોમાં પણ બળાપાની વૃત્તિ જણાતી રહે છે. ઘણા કહેતા રહે છે કે અત્યારે પૂ. ગાંધીજી હોત, યા સરદાર સાહેબ હોત, યા કિડવાઈ સાહેબ હોત તો જરૂર પરિસ્થિતિ આવી ન હોત. પણ હવે તેઓ પાછા કેવી રીતે આવે ? એટલે આપણે જે વર્તમાનમાં છીએ એમણે જ કાંઈ વિચારવું પડશે, પ્રવૃત્તિ કરવી પડશે અને ઇલાજ કરવો પડશે. મનુષ્ય સામાજિક પ્રાણી છે, એટલે એને પરસ્પર સહકાર વિના ચાલી શકતું જ નથી. એ એકબીજા દેહધારીને જફા પહોંચાડ્યા વિના માનવદેહ ટકી શકે એમ નથી. એટલે સંઘર્ષ વૃત્તિ જ પેદા ન થાય એ બનવું અશક્ય છે. મનુષ્ય એવી સ્થિતિ પેદા કરી શકે છે કે પરસ્પરનો સંઘર્ષ એકબીજાના શોષણની સ્થિતિ સુધી ન પહોંચે. દા. ત., એક માણસ પાસે લાખો એકર જમીન છે, જેની પૂરી વ્યવસ્થા પણ કરી શકાતી નથી; છતાં તેને તે ઉપરનું મમત્વ છોડી શકાતું નથી, જેને પરિણામે બીજા હજારો જમીન વગરના રહીને નાગા-ભૂખ્યા જીવી રહ્યા છે. આ સ્થિતિ દંડ કે ભયથી પણ અટકી શકે અને મમત્વના ત્યાગથી તથા એકબીજાનાં સુખદુ:ખ સમજવાથી પણ અટકી શકે. પહેલો ઉપાય ભારે ખતરનાક છે. એનાથી છેવટે વ્યક્તિની જ સત્તા જામે છે અને બીજા તમામને તેના દાબમાં જીવવું પડે છે. ત્યારે બીજો ઉપાય સર્વને હિતકર છે, અને વિચારશક્તિ ઉપર નિર્ભર છે. અત્રે શ્રી ગાંધીજીએ આ બીજો ઉપાય આપણે બરાબર સમજીએ એ દૃષ્ટિએ પોતાનું
પણ
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૬ સંગીતિ જીવન અને તમામ વ્યવહાર ગોઠવેલો અને આજ સુધી જે અહિંસાનો વિચાર કિતાબોમાં હતો ત્યાં વનસ્પતિ, ભાજી, માછલાં વગેરે સુધી જ પહોંચાડી શકાયેલો તેને માણસજાતની વચ્ચે, માણસજાતના હિતની દષ્ટિએ વ્યાપક રીતે વહેતો કર્યો. બધા ધર્મવાળા “અહિંસા પરમો ધર્મ' એવું કહ્યા કરતા, ગોખ્યા કરતા અને સંભળાવ્યા કરતા, છતાંય અંદર-અંદર અવિશ્વાસ, એકબીજાની ઊંચતા અને અધમતા, આત્મીયતાનો અભાવ તથા બીજાં છળપ્રપંચ, અનીતિ વગેરે ચાલ્યા કરતું. આ બધું હિંસાની કોટિનું; છતાંય “અહિંસા પરમો ધર્મ માનનારાના ખ્યાલમાં આવ્યું નહીં અને હજુ પણ પૂરું આવ્યું જણાતું નથી. ઘણા તો હજી પણ એમ કહેતા સંભળાય છે કે એ અહિંસા મંદિરમાં, મઠમાં, હવેલીમાં કે સ્થાનક યા ઉપાશ્રયમાં ચાલી શકે, પણ બજારમાં, દેશના કામકાજમાં, મોટા મોટા ધંધાઓમાં કે બીજી દુન્યવી પ્રવૃત્તિઓમાં નહીં ચાલી શકે. પણ મહાત્માજીએ આ વાત ખોટી ઠરાવેલ છે, અને માણસના તમામ વ્યવહારમાં એટલે ખાવા, પીવા, પહેરવાથી માંડીને આખા દેશનું રાજય ચલાવવા સુધી અહિંસા-સત્યને પહોંચાડી દીધેલ છે. આપણે જો આ વારસો સાચવવો હોય અને ગાંધીજીને વફાદાર રહી તેમનાં સંતાનની કોટિમાં ગણાવું હોય યા જીવનનું ઉચ્ચ ધોરણ એટલે સાદાઈ, ઉડાઉપણાની વૃત્તિનો અભાવ, વ્યસનોનો અભાવ, એકબીજા તરફ અદંભીપણું, સહકાર અને પ્રેમ, એકબીજાનાં સુખદુઃખમાં આપણી પોતાની લાગણી અને ધર્મને નામે ચાલતાં અનર્થકારી કર્મકાંડોનો ત્યાગ તથા ધર્મને નામે, કોમને નામે યા દેશને નામે ચાલતા ગતાનુગતિક ખોટા પ્રવાહોમાં નહીં વહેવાનું–આ બધું ધીરે ધીરે જીવનમાં ઉતારતાં શીખી લેવું જોઈએ. એક ઝપાટે આ બધું આપણે નહીં આચરી શકીએ, પણ એક એક ડગલું વિચારી વિચારીને ભરતાં શીખીએ તો જરૂર એવો વખત આવશે કે આપણે મહાત્માજીના થોડે ઘણે અંશે વારસદાર બનવાના અને એમ થયા પછી ખરા અર્થમાં પૂરા વારસદાર પણ થઈ શકવાના. ઘણી વાર તો ઘર્ષણનાં કારણો જ નાંખી દેવા જેવાં હોય છે. વિચાર્યા પછી આપણને એ કારણો જોઈને હસવું આવી જાય છે અને આવું કેમ થઈ ગયું એવી વિમાસણ પણ થઈ જાય છે. સંઘર્ષ ટાળવા સંન્યાસી, ભિક્ષુ કે ઘર બદલી નાસી જવાની જરૂર નથી, પણ મનને, સંકલ્પને, વાસનાને, સ્વચ્છંદ વૃત્તિને બદલવાની જરૂર છે અને માથા પરની તમામ જવાબદારીઓ અદા કરવા તત્પર થવાની જરૂર છે. હિંદુસ્તાનની ત્યાગી જમાત પછી તે જૈન, બૌદ્ધ કે વૈદિક યા ઇસ્લામી
Page #4
--------------------------------------------------------------------------
________________ પૂ. ગાંધીજીએ વારસામાં આપેલો અહિંસાનો વ્યવહાર * 197 પરંપરાની હો, જે પરાપૂર્વથી માથા પરની જવાબદારી છોડવાની વાત કરતી આવેલ છે અને જગતને એ જ જાતનો ઉપદેશ દેતી આવેલ છે તે કોઈ રીતે બરાબર નથી. એમ કરવાથી તો એ જમાત પોતાનો બધો જ બોજો બાકીના લોકો ઉપર નાંખે છે અને એ રીતે ગૃહસ્થાશ્રમી જનતા ઉપર બમણો-ત્રમણો બોજો પડે છે. અને પરિણામે સંઘર્ષ કે હિંસાવૃત્તિ રોકવાને બદલે વધતાં રહે છે. શાસ્ત્રને પ્રમાણ માનનારા તેમાં લખેલી હકીકતોને તોળીને આજની દષ્ટિએ વિચાર કરે. વિજ્ઞાનનો પ્રકાશ મદદ કરી શકે એમ છે. એટલે શાસ્ત્રના અક્ષરને વળગવા કરતાં વર્તમાનકાળને સામે રાખી માણસજાતના હિતનું જે આચરણ વાસ્તવમાં સૂઝે તેને આચરવા પ્રયત્ન કરે. અમુક આચરણ માણસના હિતનું છે અને અમુક હિતનું નથી એનો ખ્યાલ દરેકને એની મેળે જ આવી જાય છે. માત્ર એ ખ્યાલને અનુસરવાનું બળ પ્રાપ્ત કરવું જોઈએ. જો આમ થાય તો માણસજાત જરૂર સુખી થવાની અને એની પાછળ પશુપક્ષીઓ તથા જે પ્રાણીઓ અવ્યક્ત ચેતનાવાળાં છે તેમને પણ સુખશાંતિ જરૂર ઊપજવાની. ભગવાન મહાવીરે કહેલ છે કે, તમામ વ્યવહાર-નાનો કે મોટો યતનાપૂર્વક કરો, અને આ જ વાત આજના મહાવીર પૂ. ગાંધીજીએ પોકારી પોકારીને આપણને સમજાવેલ છે. તા. ક. જેને વિશેષ સંશોધન કરવું હોય અને ઊંડા ઊતરીને કોઈ નવી શોધો કરી માનવહિતકર કામ કરવું હોય તે ભલે ફકીર કે ભિક્ષુ યા શ્રમણ થઈ પોતાની શોધ ચલાવે, પણ આજકાલ જેમ છાશવારે શ્રમણ કે ભિક્ષુઓ થતા છાપામાં દેખા દે છે તે તો કોઈ રીતે જુગતું નથી, અને દેશના આગેવાનોએ તથા વિચારક વર્ગે તેમને ચેતવવા જોઈએ. - નિકેતન