Page #1
--------------------------------------------------------------------------
________________
૩૨. બુદ્ધિભેદ
માનવીએ માનવીએ બુદ્ધિભેદ' તો રહેવાનો જ. અમુકને જ સાંપડતી ચેતનાશક્તિથી–ભાવિના એંધાણ પારખવાની, અજબ ચાપલ્યની ને વિલક્ષણ પ્રતિભાની વિશિષ્ટતાની તેજછાયાથી–આપણે સદા સર્વદા પ્રભાવિત થઈએ છીએ. જૈન પરંપરા બુદ્ધિશક્તિના મુખ્યત્વે ચાર પ્રકારો દર્શાવે છે : ઔત્પત્તિકી, વૈનાયિકી, કર્મજા અને પરિણામિકી. આમાંથી પહેલી ઔત્પત્તિકી બુદ્ધિના રસિક દાખલાઓ અહીં રજૂ થયા છે. - ભારતીય તમામ દર્શનો એક અખંડ ચેતના શક્તિનો સ્વીકાર કરે છે. એ ચેતના આત્મતત્ત્વનું અસાધારણ સ્વરૂપ છે. સમસ્ત બ્રહ્માંડ એ ચેતનાશક્તિનો જ વૈભવ છે એમ કહેવામાં કશો બાધ નથી. પૃથ્વી વગેરે ભૂતોમાં, ઉભિજ્જ (પૃથ્વીને ભેદીને ઊગનારાં કે નીકળનારાં) પ્રાણીઓમાં અર્થાત્ વનસ્પતિઓમાં તથા કેટલાંક કીટપતંગોમાં, ગતિ કરનારાં પ્રાણીઓમાં, સ્વેદથી પેદા થનારાં (જૂ-માંકડ વગેરે) પ્રાણીઓમાં એ ચેતનાશક્તિ સભર ભરેલી છે. જૈન દર્શનની અપેક્ષાએ બે પ્રકારના જીવો છે : ત્રસ અને સ્થાવર, ત્રસ એટલે ગતિશીલ પ્રાણીઓ અને સ્થાવર એટલે તદ્દન સ્થિતિશીલ જીવો–જેઓ બિલકુલ ગતિ નથી કરી શકતાં તેવાં વનસ્પતિ વગેરે. પ્રાણીઓનાં શરીરના અણુઅણુએ ચેતના રહેલી છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિપ્રાણી એ પાંચ સ્થાવરકાય છે અથવા કેવળ એકસ્પર્શ ઇંદ્રિયવાળાં પ્રાણીઓ છે અને જેઓ ગતિવાળાં પ્રાણીઓ છે તેઓમાં કેટલાંક સ્પર્શ અને રસ એમ બે ઇંદ્રિયવાળા શંખ, કોડા, જળો વગેરે પ્રાણીઓ છે, કેટલાંક કીડી વગેરે પ્રાણીઓ સ્પર્શ, રસ અને નાસિકા એમ ત્રણ ઇંદ્રિયવાળાં પ્રાણીઓ છે, કેટલાક ભમરા વગેરે સ્પર્શ, રસ, નાસિકા અને આંખ એમ ચાર ઇંદ્રિયધારી જીવો છે; ત્યારે કેટલાક સ્પર્શ, રસ, નાસિકા, આંખ અને કાન એમ પાંચ ઇંદ્રિયોવાળાં ગાય, સાપ, પોપટ અને મનુષ્ય વગેરે જીવો છે. આ બધામાં એકથી ચાર ઇંદ્રિયોવાળાં પ્રાણીઓમાં
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૪૪ • સંગીતિ મનન કરવાની શક્તિ નહીં જેવી હોય છે, માટે તેમને મન વગરનાં માનવામાં આવે છે. ગર્ભ દ્વારા જન્મ પામનારાં એવાં પાંચ ઇંદ્રિયોવાળાં ગાય, સાપ, પોપટ અને માનવ વગેરે તમામ પ્રાણીઓમાં તર-તમ ભાવે ભૂત-ભવિષ્યનો વિચાર કરવાની મનનશક્તિ પ્રત્યક્ષ દેખાય છે, તેથી તે પ્રાણીઓમાં મન સ્પષ્ટપણે છે જ. આ રીતના તમામ જાતનાં પ્રાણીઓમાં ચેતનાશક્તિ રહેલી છે. કયાંક પરિસ્થિતિને લીધે ચેતનાશક્તિનો આવિર્ભાવ ઓછો જણાય છે અને ક્યાંક એ વધુ જણાય છે. માનવપ્રાણીમાં એ શક્તિનો આવિર્ભાવ વધારેમાં વધારે થયેલો દેખાય છે. બુદ્ધિ એ ચેતનાશક્તિનું એક વિશિષ્ટ રૂપ છે. જ્યાં એ બુદ્ધિને વિશેષ કેળવવામાં નિમિત્તો મળ્યાં હોય ત્યાં એ વધારે વિકસેલી દેખાય છે. આજના વિજ્ઞાનના યુગમાં એ બુદ્ધિશક્તિનો વિકાસ ભારે અદ્ભુત થયેલો જણાય છે. પ્રાચીન તત્ત્વવિદ્યાના વિચારકોએ એ બુદ્ધિશક્તિનાં વિકાસક નિમિત્તો વિશે જે થોડી ચર્ચા કરેલી છે અને એનાં જે આકર્ષક નિદર્શનો આપેલાં છે, તે વિશે આ લેખમાં ચર્ચા કરીશું.
જૈન પરંપરાના નંદીસૂત્રમાં બુદ્ધિશક્તિના પ્રધાનપણે ચાર પ્રકારો બતાવેલા છે* ૧. ઔત્પત્તિકી, ૨. વૈનાયિકી, ૩. કર્મજા, ૪. પરિણામિકી. નંદીસૂત્રકાર કહે છે કે તેના ખ્યાલમાં બુદ્ધિના આ ચાર ભેદો આવેલા છે; પાંચમો તેનો કોઈ ભેદ ઉપલબ્ધ થયેલ નથી.
ત્પત્તિકી એટલે જે બુદ્ધિ સહજ હોય છે તે. જેને માટે શાસ્ત્રાભ્યાસ, ક્રિયાપ્રવૃત્તિઓનું પરિશીલન વગેરે કોઈની અપેક્ષા નથી, પણ જે જન્મથી જ માણસના મનમાં સહજ રીતે હુરે છે તે બુદ્ધિ ઔત્પત્તિકી કહેવાય છે. શાસ્ત્રકારે આ બુદ્ધિનાં કેટલાંક નિદર્શનો આપેલાં છે, તેમાંના કેટલાંક આ પ્રમાણે છે :
૧. ઉજેણી નગરીની પાસે નટોનું એક ગામ હતું, તેમાં ભરત નામે એક નટ રહેતો હતો. તેને રોહક નામે એક નાનો પાંચ-સાત વરસનો બાળક હતો.
એક વાર તે પોતાના પિતાની સાથે ઉજેણી નગરી ગયો. તેણે આખી ઉજેણી બરાબર ધ્યાનપૂર્વક નિહાળી અને તેણે એ ઉજેણીને એવી રીતે નિહાળી કે તે આખી નગરી પહેલેથી છેલ્લે સુધી તેના ચિત્તમાં જાણે કે છપાઈ
* १. उप्पत्तिआ, २ वेणइआ, ३ कम्मया, ४ परिणामिआ । बुद्धि चउव्विहा वुत्ता
पंचमा नोवलब्भइ ॥ -नंदीसूत्र पृ. १४४
Page #3
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભેદ ૦ ૨૪૫ જ ગઈ. પછી પિતા સાથે નગરીથી બહાર નીકળ્યો. એટલામાં તેનો પિતા ‘કાંઈ ભૂલી ગયો.’ એમ કહીને ભૂલેલું લેવા ફરી પાછો નગરીમાં ગયો; આ રોહક એકલો સિપ્રા નદીને કાંઠે બેસી રહ્યો. ત્યાં બેઠાંબેઠાં રોકે પણ સિપ્રાનદીની રેતીમાં બાળરમત કરતાં તે આખી ઉજ્જૈણી નગરીને ફરતા કિલ્લા સાથે ચીતરી દીધી. એમાં નગરીનાં ચોરાશી ચૌટા, પહોળી અને મોટી મોટી પોળો, દેવમંદિરો અને મઠો વગેરે બધું એ નગરીમાં, જ્યાં જેમ દીઠું હતું ત્યાં તેમ જ બરાબર આલેખ્યું. આ તરફ રાજા ઘોડો દોડાવતો દોડાવતો એકલો પડી ગયેલો એ રસ્તે આવવા લાગ્યો. પોતાની નગરી તરફ આવતા રાજાને જોઈને રોહક બોલ્યો : ‘‘હે રાજકુંવર ! આ તરફ તારા ઘોડાને ન દોડાવ.’ રાજાએ પૂછ્યું : ‘‘કેમ ?” રોહક બોલ્યો ‘‘તું શું આ રાજમંદિર નથી જોતો ?” આ સાંભળીને અચંબો પામેલો રાજા ઘોડા ઉપરથી નીચે ઊતરીને તે બધું જોવા લાગ્યો. પોતાની રાજધાનીને આ નાના છોકરાએ આબેહૂબ ચીતરેલી જોઈને રાજા તો ચકિત થઈ ગયો અને રોહકને પૂછવા લાગ્યો : ‘રે ! તેં પહેલાં કોઈ વાર આ નગરીને જોઈ હતી ખરી ?'' રોહક બોલ્યો : ‘ના રે, મેં તો આજે જ મારા બાપ સાથે મારે ગામથી આવીને આ નગરીને પહેલ-વહેલી જ દીઠી.'' આ સાંભળીને રાજા બાળકની બુદ્ધિશક્તિનો પ્રભાવ સમજીને તેના ઉપર ખુશખુશ થઈ ગયો. વધુ હકીકત જાણવા માટે તેણે રોહકને પૂછ્યું, “તારું ગામ ક્યાં છે ? તારું નામ શું છે ?” “મારું ગામ આ ઉજ્જૈણીને પડખે જ આગવું આવેલ છે. અને મારું નામ રોહક છે.” આમ વાત થતી હતી ત્યાં રોહકનો પિતા નગરીમાંથી પાછો ફર્યો. બાપ-બેટો બન્ને પોતાના ગામ ભણી ચાલવા લાગ્યા અને રાજા પોતાના સ્થાને ગયો. જતાં જતાં રાજા વિચારવા લાગ્યો કે ‘મારે ૪૯૯ મંત્રીઓ છે, હું એક સૌથી મોટા મંત્રીની શોધ કર્યા કરું છું. જો મને એવો એ ૪૯૯ મંત્રીઓમાં સૌથી ઉત્તમ મંત્રી મળી જાય,તો મારું રાજ્ય સુખે ચાલે,વધે. બુદ્ધિ-બળિયો રાજા ઓછું લશ્કર રાખે તો પણ તેનો પરાજય કોઈ ન જ કરી શકે, શત્રુઓને તે રમતવાતમાં જ જીતી શકે.’ આમ વિચારો કરતાં રાજાના મનમાં એમ થયું કે ‘લાવ ને પેલા નાના રોહકની બુદ્ધિની હજુ વધારે પરીક્ષા કરું અને જો તે મારી પરીક્ષામાં યોગ્ય નીકળે તો તેને જ પાંચસોમો મંત્રી કેમ ન નીમું ?’
આમ વિચારીને રાજાએ જે ગામમાં રોહક રહેતો હતો, તે ગામના મુખી-મોટેરા લોકોને હુકમ કર્યો, કે તમારા ગામની બહાર એક મોટી શિલા
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૪૯ - સંગીતિ છે તેને ઉપાડીને તે દ્વારા તમારા જ ગામની બહાર રાજમંડપનું ઢાંકણ બનાવી આપો. આ જાતનો કોઈ રીતે અમલી ન બનાવી શકાય એવો રાજાનો હુકમ સાંભળીને મુખી વગેરે ગામના મહાજન-મોટેરાઓ ચોરામાં ભેગા મળીને એ હુકમ બાબત શું કરવું એ ચિંતાતુર મને વિચારવા લાગ્યા. ગામના મહાજનમાં રોહકનો બાપ ભરત પણ હતો. તે જમવાની વેળા વટી જવા છતાં હજુ ઘેર આવ્યો ન હતો. ઘરમાં રોહક ભૂખ્યો થયો હતો અને તે પોતાના બાપની સાથે જ જમતો હોવાથી ભૂખે હેરાન થતો હતો. તેણે જાયું : બાપ તો ચોરે ચોવટમાં બેઠો છે. એટલે તે બાપને બોલાવી લાવવા ચોરે જવા નીકળ્યો. ચોરે આવીને જોયું તો માલુમ પડ્યું કે ત્યાં બેઠેલા બધા ચિંતામાં પડ્યા છે. એણે એના બાપને જમવા આવવા ઝટ ઊભા થઈ ઘેર આવવા કહ્યું. બાપે કહ્યું, “તું ગામનું દુઃખ જાણતો નથી અને ઝટ જમવાની વાત કરે છે.” પછી રોહકના પિતા ભરતે શિલાને લગતો રાજાએ જે હુકમ મોકલ્યો હતો તે કહી બતાવ્યો. એ સાંભળતાં જ રોહકે પોતાના બુદ્ધિબળથી
ત્યાં બેઠેલા મુખી વગેરેને એ હુકમનો અમલ કેમ કરવી તેની રીત બતાવી. રોહકે કહ્યું : “આમાં ગભરાવાનું કશું જ કારણ નથી. બહારની એ મોટી શિલાની નીચે તમે ખોદાવો અને તેની બધી બાજુ જોઈએ તેટલા તેને બરાબર ટેકવી શકે એટલા થાંભલા એકએક પછી એકએક મુકાવતા આવો અને તે તમામ થાંભલા વચ્ચેના પોલા ભાગમાં પડભીતિયાં ભીડતા આવો અને પડભીતિયાઓને મઠારી-મઠારી રંગબેરંગી કરો, તથા એ સ્તંભોને પણ વિવિધ રંગો લગાડી ખૂબ સુંદર આકર્ષક બનાવો. પછી ત્યાં જવા માટે નીચે પગથિયાં કરાવો અને વચ્ચે રાજસિંહાસનને ગોઠવી દો. આમ કરવાથી એ શિલા રાજમંડપનું સરસ ઢાંકણ બનશે, એટલે કે એ શિલા રાજમંડપની સરસ છત બની જશે.” આ સાંભળીને ગામના મુખી, વડેરા, ઘરડા લોકો રાજી રાજી થઈ ગયા અને બધાં સાથે જમવા પણ ઊઠી ગયા. પછી તો રોહકની સૂચના પ્રમાણે શિલાની ફરતું નીચે ખોદકામ શરૂ કરાવ્યું, થાંભલા ટેકવવા માંડ્યા અને પડભીતિમાં પણ ભરી દીધાં, શિલાની નીચે વચ્ચે રાજસિંહાસન મંડાવ્યું અને એ થાંભલા તથા પડભીતિયાં રંગબેરંગી બનાવી, ટેકાઓને પણ સુંદર ઓપી, રંગી કરીને જ્યારે રાજમંડપ તૈયાર થયો અને એની ઉપર છત તરીકે શિલા બરાબર ગોઠવાઈને સજ્જડ રીતે જડાઈ ગઈ, ત્યારે ગામના મુખી વગેરે મહાજન લોકોએ રાજાને નમ્રભાવે ગામના થાણદાર મારફત કહેવડાવી દીધું કે “આપના હુકમ પ્રમાણે અમારા ગામની બહાર પડેલી
Page #5
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભેદ ૦ ૨૪૭ મોટી શિલાને રાજમંડપના ઢાંકણ તરીકે ગોઠવી દીધી છે, તો આપ યથાવકાશ આવીને જોઈ જશો.' જ્યારે રાજાને થાણદારે સંદેશો આપ્યો ત્યારે તાબડતોબ રાજા પંડે એ મંડપને જોવા ગયો. થાણદારને રાજાએ પૂછ્યું કહો તો એ કામ કેમ નીપજ્યું અને કોની બુદ્ધિથી નીપજ્યું ?’ જે રીતે ખોદકામ કરીને ચણતર વગેરે કર્યું હતું, તે બધું થાણદારે રાજાને સમજાવ્યું અને સાથે ઉમેર્યું કે આ બધું અમારા ગામના રહેવાસી પેલા ભરતના છોકરા રોહકની બુદ્ધિ વડે, સલાહ-સૂચના વડે તૈયાર થઈ શક્યું છે.
આ સાંભળીને રાજા ખુશખુશ થઈ ગયો.
વળી રોહકની બુદ્ધિને વધારે કસવા માટે એ ગામના લોકો ઉપર રાજાએ આ બીજો એવો જ અશક્ય હુકમ મોકલી આપ્યો.
રાજાએ થોડા દિવસ પછી એક જ કૂકડો મોકલ્યો અને ગામના લોકોને કહેવડાવ્યું કે એ એકલા કૂકડાને બીજા કૂકડા વિના જ લડાવવાનો છે.
ગામના લોકોએ હવે તો સીધું જ રોહકને પૂછ્યું : ‘‘કહે ભાઈ, આ એકલા કૂકડાને વળી શી રીતે લડાવવો ?”
રોહકે સૂચવ્યું કે ‘‘એ કૂકડાની સામે એક મોટો અરીસો મૂકો એટલે એ અરીસામાં આ કૂકડાનું પ્રતિબિંબ પડશે. એ પ્રતિબિંબને ‘આ કૂકડો બીજો કૂકડો પોતા સામે લડવા આવ્યો છે.' એમ સમજશે અને એની સામે બરાબર લડવા માંડશે.’’
ગામલોકોએ આવેલા એકલા કૂકડાની સામે એક મોટો કાચનો અરીસો મૂક્યો. તેમાં પોતાનો પડછાયો જોતાં જ તે કૂકડો એકલો છતાંય ખુન્નસ લાવીને ખૂબ લડવા લાગ્યો.
થાણદારે આ માટે પણ રોહકની જ ચતુરાઈનાં વખાણ કર્યાં.
વળી રાજાએ કેટલાક દિવસો જવા દઈ એ ગામના લોકોને કહી મોકલ્યું કે, ‘‘તમારા ગામના પાદરમાં જે નદી વહે છે તેના કાંઠા ઉપર સોનેરી રંગની વેળુ (રેતી) છે. તો તે વેળુનાં સરસ, મોટાં અને જાડાં દોરડાં વણાવીને મોકલી આપો.’’ આ બાબત રોહકને પૂછતાં તેણે તેનો સરસ જવાબ રાજાને કહેવડાવી દીધો : “હે રાજાજી ! અમારા ગામમાં અમે બધા નટલોકો જ વસીએ છીએ; અમારો ધંધો નાચવાનો છે, એટલે અમે નાચવાનું તો સરસ જાણીએ છીએ પણ દોરડાં વણવાનું જાણતા નથી. તમે એમ કરો કે તમારા રાજ્યમાં તમે પહેલાં રેતીનાં દોરડાં વણાવીને મંગાવ્યાં હશે અને વપરાશમાં પણ લીધાં હશે. તો તમારા કોઠારમાં એવા નમૂનારૂપ જે બે-ચાર
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૪૮ • સંગીતિ
આખાંપામાં દોરડાં રેતીનાં વણેલાં પડ્યાં હશે જ તેમાંથી અમને જોવા માટે એકાદ બે દોરડાં મોકલી આપો, જેમને જોઈને અમે અમારી નદીની વેળુનાં દોરડાં વણી શકીએ.”
આ સાંભળીને રાજા તો ચૂપ જ થઈ ગયો. રેતીનાં દોરડાં તેની પાસે કયાંથી હોય અને નમૂના માટે તે મોકલી પણ શું શકે ?”
વળી થોડો વખત જવા દઈને રાજાએ ગામલોકોને પોતાના થાણદાર મારફત ફરમાન મોકલી આપ્યું કે હું એક મરવા પડેલા આ રાજહાથીને તમારે ત્યાં મોકલી આપું છું. એ હાથી માંદો છે, તમારે એને સંભાળવાનો છે, પણ જ્યારે એ મરી જાય ત્યારે તમારે મને એ “મરી ગયો છે એમ તો ન કહેવું અને એના રોજેરોજના સમાચાર મને મોકલ્યા કરવા.”
ગામલોકોએ ભેગા થઈને આ વિશે રોહકની સલાહ પૂછી તો તેણે જણાવ્યું કે “હમણાં તો આપણે એ હાથીને રાખી લઈએ, ખવડાવીએપિવડાવીએ : પછી જે થશે તે જોયું જાશે. માટે હમણાં તો એને ગામની હાથીશાળામાં લઈ જઈ બાંધી દઈએ.” તેની સલાહ મુજબ લોકોએ એ માંદા-મરવા પડેલા હાથીને દોરી જઈ ગામના હાથીખાનામાં બાંધી દીધો અને તેને ખાવાપીવાનું પણ અપાવા લાગ્યું. એવામાં એક દિવસ તે હાથી ખરેખર મરી જ ગયો. આ વખતે વળી ગામલોકોએ “રાજાને હવે શું કહેવડાવવું જોઈએ ?” એમ કહીને રોહકની સલાહ પૂછી. રોહકે તદ્દન નિર્ભય રીતે થાણદાર સાથે રાજાને સંદેશો મોકલ્યો કે, “રાજાજી ! તમે મોકલેલો હાથી હવે તો બેસતો નથી, ઊભો રહેતો નથી, કોળિયો લેતો નથી, લાદ કરતો નથી, શ્વાસોચ્છવાસ પણ નથી લેતો કે મૂકતો; વધારે શું કહીએ પણ એ હાથી હવે કોઈ પણ સચેતન પ્રાણી જેવી એક પણ ચેષ્ટા નથી કરતો.” આ સાંભળીને રાજા બોલ્યો કે ““ત્યારે શું તે હાથી હવે મરી ગયો છે ?” થાણદાર મારફત ગામલોકોએ રાજાને કહેવડાવ્યું કે “અમે તો એમ કાંઈ કહેતા નથી, તેમ તો તમે જ બોલી શકો.” આ સાંભળીને પણ રાજા નિરુત્તર થઈ ગયો.
વળી રાજાએ થોડાક રોજ જવા દઈ એ જ ગામના લોકોને કહેવડાવ્યું કે “તમારા ગામમાં મીઠા સ્વાદીલા જળથી ભરેલો એક કૂવો છે, તેને તમે જલદી મારી નગરીમાં મોકલી આપો.” આ વિશે ગામલોકોએ રોહકની સલાહ પૂછી તો તેણે લોકોને કહ્યું કે ““આપણે રાજાજીને એમ કહેવડાવો કે અમારો ગામડાનો કૂવો ભારે બીકણ છે. એણે કોઈ વાર તમારી નગરી કે
Page #7
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિભેદ • ૨૪૯ શહેરની રીતભાત જોઈ નથી. માટે તમે તમારા શહેરમાંથી જો એકાદ કૂવાને અહીં મોકલશો તો તે કૂવા સાથે અમારો કૂવો ભાઈબંધી કરી લેશે અને પછી તેનો વિશ્વાસ મેળવીને તે એની જ સાથે તમારા શહેરમાં આવશે. અમે લોકો ગામડિયા કહેવાઈએ, એમ અમારા કૂવા પણ ગામડિયા જ કહેવાય. ગામડિયા લોકો શહેરમાં આવતાં ભારે ગભરાય એવા એ ભારે બીકણ છે. તો ગામડિયા કૂવાની બીક ટાળવા સારુ તમે એક કૂવો તમારા શહેરમાંથી અમારા ગામડામાં મોકલી આપો, એટલે એની સાથે અમારો ગામડિયો કૂવો શહેરમાં વગર બીકે આવી શકશે.”
- થાણદાર પાસેથી ગામડાનો આ સંદેશો સાંભળીને રાજા તો સડક જ થઈ ગયો અને એના જવાબમાં કશું જ કહી શક્યો નહીં.
ફરી વળી કેટલાક દિવસ જવા દઈ રાજાએ એ ગામના લોકોને કહેવડાવ્યું કે “તમારા ગામનો જે બગીચો પૂર્વમાં છે તેને પશ્ચિમ દિશામાં ફેરવી નાખો.” આ ઘટના તદ્દન બેહૂદી સાંભળીને લોકો રાજા પર દાઝે ભરાયા અને ખીજવાઈને આમનેસામને કહેવા લાગ્યા કે “આ રાજા તો આવાઆવા અણઘટતા હુકમો મેલી મેલીને આપણો જીવ લેવા ધારે છે કે શું ?”
લોકોએ ભેગા થઈને રાજાને ઠપકો દેવાનો વિચાર તો માંડી વાળ્યો, પણ રોહકને બોલાવીને ઉગમણી દિશામાં આવેલા બગીચાને આથમણી દિશામાં કેમ ફેરવવો એ વિશે પૂછ્યું, તો રોહકે તો ચટ દઈને લોકોને સમજાવ્યું કે “એમાં પણ કશું ગભરાવાનું કારણ નથી. એ કામ તો સાવ સરળ છે. જુઓ, તમે ગામનો વાસ આજથી બદલી નાખીને તેને બગીચાથી ઉગમણી દિશામાં ગોઠવી દો, એટલે બગીચો આપોઆપ ગામની આથમણી દિશામાં આવી જશે.”
ગામલોકોએ બધા ભેગા થઈને રોહકની વાત સાંભળીને ગામનો વાસ તરત જ બદલી કાઢી વાસને બગીચાની ઉગમણી દિશાએ વસાવી દીધો એટલે બગીચો આફરડો ગામથી આથમણી દિશામાં આવી ગયો. રાજાને એ વાત થાણદારે જણાવી દીધી કે “રોહકના બુદ્ધિકૌશલને લીધે હવે ગામનો બગીચો ગામથી આફરડો-આફરડો આથમણી દશે આવી ગયો.”
વળી રાજાએ થોડોક વખત જવા દઈને એક બીજો નવો જ હુકમ એ ગામવાળા ઉપર મોકલી આપ્યો. રાજાએ ગામવાળાઓને કહેવડાવ્યું કે, આગ ઉપર મૂક્યા વિના ખીર રાંધી આપવાની છે.” વળી ગામલોકો
Page #8
--------------------------------------------------------------------------
________________
૨૫સંગીતિ ભેગા થયા અને એ બાબત રોહકની સલાહ લીધી. રોહકે રસ્તો બતાવ્યો કે
ચોખા પાણીમાં ખૂબ ભીના કરી રાખો અને પછી સૂર્યના તાપથી ખૂબખૂબ તપેલાં છાણાં અને પરાળ ઉપર એ ચોખાથી ભરેલી થાળી ચડાવી રાખો, જેથી ખીર રંધાઈ જશે.”
ગામલોકોએ રોહકની સલાહ પ્રમાણે ખીર રાંધીને રાજાને થાણદાર મારફત ખબર કહેવડાવી દીધી. આ સાંભળીને રાજા તો ભારે વિસ્મય પામ્યો.
તેણે વિચાર્યું કે આ બાળકે મારા તમામ હુકમો બનાવ્યા છે અને મને તદ્દન નિરુત્તર કરી નાખેલો છે. આ બાળક ભારે બુદ્ધિમાન છે એમાં શક નથી. એથી રાજાએ હવે તેને પોતાની પાસે બોલાવવાનો મનસૂબો કરીને તેને કહેવડાવ્યું કે “તેણે મારી પાસે આવવાનું છે.” રાજાએ થાણદાર સાથે એ બાળકને કહેવડાવ્યું કે “એ છોકરો મારી પાસે અજવાળિયામાં ન આવે તેમ જ અંધારિયામાં પણ ન આવે. રાત્રે પણ ન આવે અને દિવસે પણ ન આવે. છાયામાં ન આવે તેમ તાપમાં પણ ન આવે. અધ્ધર ચાલીને ન આવે તેમ પગે ચાલીને પણ ન આવે. માર્ગે થઈને ન આવે તેમ કમાર્ગ પણ ન આવે. નાહીને ન આવે તેમ નાહ્યા વિના પણ ન આવે. આ રીતે તે છોકરો મારી પાસે આવે.” એમ રાજાએ થાણદાર સાથે તેને કહેવડાવ્યું. રાજાનો હુકમ સાંભળીને આ બુદ્ધિમાન રોહક પણ રાજાએ બતાવેલી તમામ શરતો સાચવીને તે રાજા પાસે જવા નીકળ્યો.
તેણે રાજાની પાસે જતાં આ પ્રમાણે કર્યું
“માત્ર ગળા ઉપર જ પાણી રેડીને તે નાહ્યો પણ આખે શરીરે તે ન નાહ્યો. ગાડાના પૈડાનો વચલો આરો તેણે એક ઘેટા ઉપર ગોઠવ્યો. અને તે એ આરા ઉપર બેસીને ઘેટાની સવારી કરીને રાજા પાસે જવા નીકળ્યો. માથે ચાળણીનું છતર ધર્યું. સમી સાંજે, અમાસ અને પડવાના સંગમ વખતે હાથમાં માટીનો પિંડો લઈને તે રાજાના દરબારમાં આવી પહોંચ્યો.
રોહકે રાજા પાસે આવીને પ્રણામ કરીને પોતાના હાથમાં રહેલો માટીનો પિંડો રાજા સામે મૂક્યો. એટલે રાજાએ તેને પૂછ્યું કે, “રે રોહક ! તું આ શું લાવેલ છે ?” રોહક બોલ્યો, “આપ પૃથ્વીપતિ છો, માટે મેં આપને ભેટરૂપે આ પૃથ્વીનો પિંડો આપેલ છે.” રાજા આ માંગલિક વચન સાંભળીને ઘણો સંતોષ પામ્યો.
તે પછી એકાદ બે આકરી પરીક્ષા લીધી, તેમાં પણ એના હાજર
Page #9
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિભેદ * 251 જવાબીપણાથી રાજાના ધ્યાનમાં આવી ગયું કે “આવો બુદ્ધિમાન મનુષ્ય મને બીજો કોઈ મળવો અત્યંત કઠણ છે. આ રોહકની બુદ્ધિને પણ સીમા જ નથી. જે કાંઈ તદ્દન અશક્ય જેવું કામ બતાવું છું તો તે પણ ઝપાટાબંધ કરી નાખે છે, અને જે કાંઈ પૂછું છું તે બધાના જવાબો તેની પાસે હાજર છે જ, તથા મને પણ નિરુત્તર બનાવવાની અદ્દભુત શક્તિ આ રોહક ધરાવે છે.' આ બધું વિચારતાં તેને એમ થયું કે “આ રોહક મારો પાંચસોમો મંત્રી થવાને યોગ્ય છે.' આમ વિચારીને રાજાએ ભારે ધામધૂમ સાથે તેનો મુખ્ય મંત્રીની ગાદીએ અભિષેક કર્યો અને પોતાના બધા મંત્રીઓમાં રોહકને જ સૌથી ઉત્તમ મંત્રી બનાવ્યો. ત્યારથી તે તમામ મંત્રીઓમાં અગ્રતમ સ્થાન ભોગવતો રોહક રાજ્ય ચલાવવામાં અને રાજ્યને લગતી બધી વ્યવસ્થા કરવામાં ભારે ખંતથી પોતાનું ધ્યાન પરોવી રહ્યો. રાજય બહારની પણ પોતાની હદમાં પોતાના ખંડિયા રાજાઓને પણ તેણે માત્ર એક મીઠી વાણીથી જ ભારે મિત્રો બનાવી દીધા. રાજયની, અન્ય રાજયો સાથેની નીતિઓને પણ તેણે બરાબર નક્કી કરી દીધી, જેથી પોતાના રાજાને કે રાજયને લેશ પણ આંચ ન આવી શકે. અહીં જણાવેલી બધી વાતોમાં રોહકે પોતાની સહજ એવી ઔત્પત્તિકી બુદ્ધિથી કામ લીધું હતું. - અખંડ આનંદ, જાન્યુ. - 1954