Book Title: Asatya Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf Catalog link: https://jainqq.org/explore/249402/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ ૬. અસત્ય હિંસા અને અસત્ય એ બન્ને એકબીજાનાં પોષક છે. અસત્ય હોય છે ત્યાં હિંસા હોય છે અને હિંસા હોય છે ત્યાં અસત્ય હોય છે. કોઈ એમ કહી શકે કે અસત્યનો સંબંધ તો ભાષા સાથે છે અને હિંસાનો સંબંધ તો કોઈ પ્રાણીને દૂભવવા સાથે છે તો પછી અસત્ય અને હિંસા એ બે વચ્ચે એકબીજાને પોષકપણું કેમ સંભવી શકે ? સ્કૂલ રીતે વિચારતાં સંભવ છે કે અસત્ય અને હિંસા વચ્ચે મેળ ન જણાય, પરંતુ જરા વિશેષ ઊંડા ઊતરીને વિચારીએ તો સ્પષ્ટ જણાશે કે જેમ સત્ય અને અહિંસા એકબીજાં પરસ્પર સંકળાયેલાં છે તેમ અસત્ય અને હિંસા એ બન્ને દુર્ગુણો પણ એકબીજા સાથે સંકળાયેલાં છે. કોઈ એમ પણ પૂછવા તૈયાર થાય કે ગુસ્સામાં આવીને મેં એક માણસને તમાચો માર્યો, આ હિંસા તો કહેવાય એ તદ્દન ચોખ્ખી વાત છે; પણ આ હિંસાની પ્રવૃત્તિનો અસત્ય સાથે શી રીતે મેળ ખાય? જે વસ્તુ જેવી છે તેવી સમજવી અને વ્યવહાર પણ તેવી સમજણને અનુસરીને કરવો આનું નામ સત્ય અને એથી ઊલટું હોય તે અસત્ય; જેમકે કોઈ બે ભાઈઓ છે. તે બે ભાઈઓ જ્યાં સુધી એકબીજાના ભ્રાતૃધર્મને બરાબર સમજે, એક બીજા માટે ઘસાવામાં પરમ આનંદ અને સંતોષ અનુભવે, તથા એકબીજા માટે પ્રાણ આપવાનો પ્રસંગ આવે તો પણ સંકોચ ન રાખે અને આ જાતનો ઉત્તમોત્તમ પ્રકારના ભ્રાતૃધર્મને અનુસરે ત્યાં સુધી ભાઈઓ ઉત્તમ રીતે સત્યનું આચરણ કરે છે. તેમણે પોતાની વચ્ચેના ભ્રાતૃધર્મને યથાર્થ રીતે સમજેલ છે અને સમજ્યા પ્રમાણે તેઓનું આચરણ પણ છે, આ સત્યનું આચરણ થયું. હવે જ્યારે એક ભાઈ પોતાની વાસના-તૃષ્ણાને વશ થઈને પોતાને કાંઈ ઓછું પડતાં બીજા પોતાના ભાઈ ઉપર હાથ ઉગામે ત્યારે એ હિંસાની શરૂઆત થઈ અને એ સાથે અસત્યની પણ શરૂઆત થઈ ગઈ. જો તમાચો મારનાર ભાઈ પોતાના ભાઈને વાસ્તવિક ભાઈ સમજતો હોય તો તે કદી Page #2 -------------------------------------------------------------------------- ________________ ૬૪ ૦ સંગીતિ તૃષ્ણાના આવેશમાં આવીને ભ્રાતૃધર્મને ચૂકે નહીં. પરંતુ અહીં તો જેનામાં તૃષ્ણાનો આવેશ આવેલ છે તે પોતાની સમજમાં આવેલા ભ્રાતૃધર્મને પાળતો નથી, એટલે કે જે સત્ય હકીકત છે તેની અવગણના કરવા તત્પર થયેલ છે અને તેથી જ તે પોતાના ભાઈને મારવા હાથ ઉગામે છે. એનો અર્થ એ જ થાય કે તે સત્યનું આચરણ છોડી અસત્યનું આચરણ કરવા ઊછળી રહ્યો છે, અને એ અસત્યના આચરણમાંથી જ બતાવેલ ક્રમે ગોઠવો હિંસાનો આવિર્ભાવ થાય છે. જો તે ભ્રાતૃધર્મનું જે સત્યજ્ઞાન પામેલ છે, તેને પૂરતો વફાદાર રહ્યો હોત તો કદી તૃષ્ણાના આવેશમાં ન તણાત; અને એમ થાત તો તેનાથી હિંસક પ્રવૃત્તિ કેમ થાત ? તાત્પર્ય એ છે કે જ્યાં જ્યાં હિંસાની પ્રવૃત્તિ ચાલે છે ત્યાં બધે શરૂઆતમાં અસત્યનો પ્રવેશ હોય છે અને તેથી જ હિંસાની પ્રવૃત્તિ ચાલે છે. આ રીતે અસત્ય અને હિંસા એ બન્ને એકબીજાં પરસ્પર સંકળાયેલાં છે, એકબીજામાં ઓતપ્રોત છે. એટલે અસત્યને તજનારે અહિંસાને આશ્રયે જવું જોઈએ અને સત્યનો તજનારો આપોઆપ હિંસામાં સપડાઈ જાય છે. આ હકીકતને સ્પષ્ટ કરવા એક આ બીજો પણ દાખલો આપી શકાય : ધારો કે એક કોઈ મોટા વેપારીની પેઢી છે. તેમાં આઠ ગુમાસ્તાઓને રોકવામાં આવે તો જ પેઢીનું બધું કામ બરાબર થઈ શકે છે. એક ગુમાસ્તી કરનારને માસિક સો રૂપિયા ઓછામાં ઓછા આપવામાં આવે તો માસિક આઠસો રૂપિયા તે ગુમાસ્તાના પગારમાં જ ચાલ્યા જાય. આ સ્થળે પેઢીનો માલિક શેઠ ચોખ્ખું સમજે છે કે આઠ ગુમાસ્તાઓ હોય તો જ પેઢીનું કામ સુતરું ચાલી શકે એમ છે. પણ તે લોભને વશ થઈને એમ વિચારવા લાગે છે કે આઠ ગુમાસ્તા રાખીશ તો મહિને ને મહિને રૂપિયા આઠસો કલદાર તિજોરીમાંથી ઓછા થશે. એ લોભાંધ થયેલા પેઢીપતિને એ ખ્યાલમાં આવતું જ નથી કે આ આઠ ગુમાસ્તાઓ મહિને ને મહિને એંશી હજાર રૂપિયાનું વેચાણ વા ઉત્પાદન કરશે તેથી તેમને આઠસો રૂપિયા આપવા તે કાંઈ વધારે પડતું નથી. ઊલટું તેને પોતાના એંશી હજારમાંથી આઠસો ખૂટે છે તે સહ્યું જતું નથી. એટલે આઠને બદલે ચાર ગુમાસ્તાઓ રાખે છે અને એમ કરીને એ શેઠ પોતાના ચારસો રૂપિયા બચાવવાનો લોભ રોકી શકતો નથી. આ થયું અસત્ય આચરણ અને આઠનો બોજો ચાર માણસ ઉપર લાદવાથી હિંસાની પ્રવૃત્તિ પણ થઈ. એક બળદ જે માંડ ૨૦ મણ ઉપાડી શકે તેના ઉપર ત્રીસ મણ કે તેથી વધારે બોજો લાદવાથી જેમ બળદ ઉપર ત્રાસ કરવામાં આવે છે અને એ ત્રાસ જ હિંસારૂપ છે, તેમ પેલા શેઠજી જે ચારસો Page #3 -------------------------------------------------------------------------- ________________ અસત્ય - 65 બચાવવાના લોભમાં આવીને એ ચાર માણસો ઉપર આઠ માણસોનો ભાર નાખે છે એ પણ એમના ઉપરનો ત્રાસ જ કહેવાય; અને ત્રાસ અને હિંસા એ બન્ને પર્યાય-શબ્દો છે; એટલે શેઠના મનમાં લોભનો પ્રવેશ થતાં અસત્યનું આચરણ થયું અને એમ થતાં એમાંથી હિંસાનો પ્રાદુર્ભાવ થયો. આ રીતે હિંસા અને અસત્ય એ બન્ને એકબીજાં ગાઢ સંબંધવાળાં છે, એમને બન્નેને છૂટાં પાડી શકાતાં નથી. તેમ છતાં લોભના, ક્રોધના, અહંકારના કે એવા બીજા કોઈ દુર્ગુણના આવેશમાં આવનારો માનવ જે સત્ય પોતાના ધ્યાનમાં છે, મનમાં બરાબર સમજાયેલ છે તેને અવગણીને વ્યવહાર અને પોતાની સુખસગવડ ગોઠવે છે. આનું નામ એટલે સત્યની અવગણના કરવાનું નામ અસત્ય અને એમ થતાં એમાંથી હિંસાની પ્રવૃત્તિ આપોઆપ પેદા થાય છે એ દીવા જેવું ચોખું છે. છતાં આપણે લોકો તૃષ્ણાના આવેશમાં આવીને હિંસા કરવા છતાં અસત્ય કરીએ છીએ એ હકીકતને સમજવા તૈયાર નથી. પરંતુ વાસ્તવિકતાનો તેથી અપલોપ થઈ શકતો નથી. જે સાધક વા મુમુક્ષુ વા ભક્તજન હિંસાને તજવાના વિચારનો હોય તેણે અસત્યનો ત્યાગ જ કરવાનો રહ્યો અને જે સાધક, મુમુક્ષુ વા ભક્તજન અસત્યને તજવાના સંકલ્પવાળો છે તેણે ક્રોધ, લોભ, અહંકાર આ બધી વૃત્તિઓનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જ રહ્યો. આમ થાય તો જ આપણા ખ્યાલમાં સત્ય અને અહિંસાના સંબંધનો, એકબીજાની ઓતપ્રોતતાનો ખ્યાલ આવે. જ્યાં સુધી આપણે એમ સમજીએ, સ્થૂલભાવે એમ માનીએ કે જીભથી ખોટું બોલવું તે અસત્ય અને કોઈને મારવું તે હિંસા અને આ બન્ને વચ્ચે કોઈ સંબંધ જ ક્યાં છે, ત્યાં સુધી આપણે સત્યનું અને અહિંસાનું પાલન નથી કરી શકવાના.